કોલકત્તા નાઇટ રાઇડર્સે પોતાનું દમદાર ફોર્મ જાળવી રાખતા ક્વોલિફાયર-2માં દિલ્હી કેપિટલ્સ ને 3 વિકેટે પરાજય આપી આઈપીએલ-2021 ની ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. હવે 15 ઓક્ટોબર એટલે કે શુક્રવારે કોલકત્તા અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે દુબઈમાં ફાઇનલ મેચ રમાશે. ઇયોન મોર્ગનની આગેવાનીમાં કોલકત્તાની ટીમ વર્ષ 2014 બાદ આઈપીએલ ફાઇનલમાં પહોંચવામાં સફળ રહી છે.

કોલકત્તા નાઇટ રાઇડર્સના ઓપનરોએ ટીમને દમદાર શરૂઆત અપાવી હતી. શુભમન ગિલ અને વેંકટેશ અય્યરે પાવરપ્લેમાં વિના વિકેટે 51 રન જોડી દીધા હતા. પાવરપ્લે બાદ પણ બંનેએ આક્રમક બેટિંગ કરવાનું જાળવી રાખ્યું હતું. આ દરમિયાન વેંકટેશ અય્યરે આ સીઝનની ત્રીજી અડધી સદી પૂરી કરી હતી. વેંકટેશ 41 બોલમાં 3 છગ્ગા અને 4 ચોગ્ગા સાથે 55 રન બનાવી રબાડાનો શિકાર બન્યો હતો. ગિલ અને વેંકટેશે પ્રથમ વિકેટ માટે 96 રનની ભાગીદારી કરી હતી.

મિડલ ઓર્ડરમાં પણ દિલ્હીના બેટર્સ મોટા શોટ્સ ફટકારવામાં નિષ્ફળ રહ્યા હતા. ટીમને 12મી ઓવરમાં 71 રનના સ્કોર પર બીજો ઝટકો લાગ્યો હતો. માર્કસ સ્ટોયનિસ 23 બોલમાં 18 રન બનાવી શિવમ માવીની ઓવરમાં બોલ્ડ થયો હતો. ત્યારબાદ શિખર ધવન 39 બોલમાં 36 રન બનાવી ચક્રવર્તીની ઓવરમાં કેચઆઉટ થયો હતો.
કેપ્ટન રિષભ પંત પણ 6 રન બનાવી લોકી ફર્ગ્યુસનની ઓવરમાં ત્રિપાઠીને કેચ આપી બેઠો હતો. દિલ્હીને 90 રન પર ચોથો ઝટકો લાગ્યો હતો. ત્યારબાદ શિમરોન હેટમાયરે 10 બોલમાં બે છગ્ગા સાથે 17 રન બનાવ્યા હતા. હેટમાયર રનઆઉટ થયો હતો. શ્રેયસ અય્યરે 27 બોલમાં 1 ફોર અને એક સિક્સ સાથે અણનમ 30 રન બનાવી ટીમનો સ્કોર 130ને પાર કરાવ્યો હતો.
કોલકત્તા તરફથી વરૂણ ચક્રવર્તીએ 4 ઓવરમાં 26 રન આપી બે વિકેટ ઝડપી હતી. શિવમ માવી અને ફર્ગ્યુસનને એક-એક સફળતા મળી હતી.